૧૯૨૮નું વર્ષ છે. ઝવેરચંદ મેઘાણી કવિ દુલા ભાયા કાગ સહિતના કેટલાક સાથીદારો સાથે ગીરમાં તુલસી શ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં બેઠા હતા. સાંજ થવા આવી હતી. એ વખતે રાડ પડી, એ.. આપણી પેલી હીરલ નામની વાછરડીને સાવજ ઉપાડી ગયો ! ઘડીભરની રીડિયારમણ વચ્ચે દૂધ પી રહેલા મેઘાણીની તાંસળી હોઠ પાસે જ અટકી ગઈ અને મોટેરાંઓને કશી સૂઝ પડે એ પહેલાં તો નેસમાં રહેતી ૧૪ વર્ષની હીરબાઈ નામની દીકરીએ ડાંગના બે ભાઠાં ફટકારીને સિંહને ભગાડી મૂક્યો. નરી આંખે જોયેલા એ દૃશ્યથી શાયર મેઘાણીનો માંહ્યલો જાગી ગયો. ઓહોહો.. આ ૧૪ વર્ષની દીકરીનું આવું પરાક્રમ? વનરાવનનો રાજા ગરજે એ સાથે ભલભલા મરદ મૂછાળાની ફેં ફાટી રહે જ્યારે એ ડાલામથ્થા સાવજની સામે એક ડાંગભેર ઊભી રહેતાં આ ૧૪ વર્ષની ચારણકન્યાના પેટનું પાણીય ન હલ્યું? અને શૂરવીરતાના પૂજક મેઘાણીના હૈયે જે વાણી ફૂટી એ કાયરના ખોળિયેય ભડભાદરનો પાનો ચડાવતી અમર ગુજરાતી કવિતા ‘ચારણ કન્યા’!
કવિ કાગે આ ઘટનાના સાક્ષી તરીકે લખ્યું છે, ‘‘.. એ વખતે ‘ચારણ કન્યા’ ગીત મેઘાણીભાઈ કાગળ-કલમ સિવાય કંઠોકંઠ રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠયું. આંખો લાલ ધ્રગેલ તાંબા જેવી થઈ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે માંડ માંડ એમને પકડી રાખેલા.’’
(ઉપરોક્ત લખાણ સંદેશ માં આવેલા એક ખાસ લેખમાંથી લેવામાં આવ્યું છે - લેખક: લલિત ખંભાયતા)
આ વર્ષે ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ (માર્ચ 8 ) નિમિત્તે એમને એક અનોખી શ્રદ્ધાંજલી આપવાનાં હેતુસર ૮૨ વર્ષ બાદ પહેલી વખત એક ગુજરાતી અખબાર સંદેશના પ્રતિનિધિ તરીકે પત્રકાર લલિત ખંભાયતા એમના સાથીદાર સાથે મેઘાણીની એ અમર ચારણ કન્યાના વંશજો પાસે અને એ વિખ્યાત કવિતાના ઘટનાસ્થળે માર્ચની 2જી તારીખે પહોંચેલા… એમના વંશજો સાથેની એમની એ મુલાકાતનો આ રસપ્રદ લેખ* માણવાનું જરાયે ચૂકશો નહીં.
*આ લેખ JPG ફોર્મેટમાં અહીં પણ જોઈ શકો છો !
મિત્રો, આ સાથે જ બીજી એક મજાની વાત એ છે કે આપણી એ શૌર્યવાન ચારણકન્યા હવે સૂરીલી પણ થઈ ગઈ છે! :-) મતલબ કે એ પ્રખ્યાત કવિતાને હવે સ્વરબદ્ધ કરવામાં આવી છે. અને જે કવિતા વાંચીને આપણને આજેય શૂરાતન ચડી જાય છે એ કવિતાને વધુ શૂરીલી અને સૂરીલી બનાવી છે આપણા મેહુલનાં જાનદાર સંગીતે તેમ જ ગાર્ગી વોરા ને હરેશ મારુનાં સૂરીલા સ્વરે. તમને આ કાવિતા સાંભળીને કેવી અનુભૂતિ થઈ, એ અહીં જરૂરથી જણાવશો… (જો કે થોડો સમય તો વારંવાર સાંભળ્યા જ કરશો… ગેરેંટી! )

(ડાંગ ઉઠાવે ચારણ-કન્યા… ફોટો સૌજન્ય: સંદેશ)
આ સાથે જ બોનસ તરીકે પ્રસ્તુત છે, શ્રી બાલકૃષ્ણ દવેનાં અવાજમાં આ કવિતાનું ખૂબ શાનદાર પઠન… (સૌજન્ય: ઝવેરચંદમેઘાણી.કૉમ)
કાવ્યપઠન : શ્રી બાલકૃષ્ણ દવે
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સંગીત : મેહુલ સુરતી
સ્વર : હરેશ મારુ અને ગાર્ગી વોરા
ગાયકવૃંદ : રાજેન્દ્ર ગઢવી, કપિલદેવ શુક્લ, મેહુલ સુરતી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સાવજ ગરજે
વનરાવનનો રાજ ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
માં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમંદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે
બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે
થર થર કાંપે
વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડા કાંપે ઝાડ તણાં પાંદલડા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે
આંખ ઝબૂકે !
કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે
જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે
બહાદુર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !
ઊભો રે‘જે
ત્રાડ પડી કે ઊભો રે‘જે !
ગીરના કુત્તા ઊભો રે‘જે !
કાયર દુત્તા ઊભો રે‘જે !
પેટભરા ! તું ઊભો રે‘જે !
ભૂખમરા ! તું ઊભો રે‘જે !
ચોર-લૂંટારા ઊતો રે‘જે !
ગા-ગોઝારા ઊભો રે‘જે !
ચારણ કન્યા
ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હિંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘૂમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા
ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !
- ઝવેરચંદ મેઘાણી










