December 16, 2009 at 11:30 am | ઓડિયો, ગાયત્રી ભટ્ટ, ગીત, રિષભ મહેતા
- Posted by ઊર્મિ |
આજે કવિ/સંગીતકાર રિષભઅંકલનાં જન્મદિવસે આ ગીત એમનાં તરફથી આપણને સૌને અર્પણ… :-) હા મિત્રો, એકદમ સાચ્ચું કહું છું… રિષભભાઈએ આપણને સૌને ખરેખર મળવું છે અને એના માટે એમનાં વ્હાલા ચિરંજીવીએ એમનાં ૬૦માં જન્મદિવસની ભેટરૂપે એમને એ સગવડ પણ કરી આપી છે, એમનાં પોતાનાં બ્લોગરૂપે. એમનો બ્લોગ છે, સરનામું પ્રેમનું ! તો હવે આપણે એમને નિયમિત મળતા રહીશું, એમનાં પોતાના સરનામે…
પ્રિય રિષભઅંકલને મારા અને તમારા તરફથી જન્મદિવસની મબલખ શુભેચ્છાઓ…

(સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને… ફોટો: વેબ પરથી)
સંગીત: રિષભ મહેતા
સ્વર: રિષભ મહેતા અને ગાયત્રી ભટ્ટ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.
તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.
ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.
ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.
- રિષભ મહેતા
October 7, 2009 at 12:00 pm | અનુરાધા પૌંડવાલ, અલ્કા યાજ્ઞિક, અવિનાશ વ્યાસ, આશા ભોંસલે, આશિત દેસાઇ, ઉષા મંગેષકર, ઓડિયો, ગરબા, ગાયત્રી ભટ્ટ, ગૌરાંગ વ્યાસ, તુષાર શુક્લ, થાળ, દલપત પઢિયાર, પૂર્ણિમા ઝવેરી, પ્રફુલ દવે, ભરત પટેલ, રિષભ મહેતા, શીલા શેઠીયા, સી. અર્જુન, સુમન કલ્યાણપુર, હેમુ ગઢવી
- Posted by ઊર્મિ |
September 29, 2009 at 12:00 pm | ઓડિયો, ગરબા, ગાયત્રી ભટ્ટ, ગીત, રિષભ મહેતા
- Posted by ઊર્મિ |

(ચાંદરડું ચાહવાનું નામ… ફોટો: વેબ પરથી)
સંગીત : રિષભ મહેતા
સ્વર : રિષભ મહેતા અને ગાયત્રી ભટ્ટ
આલ્બમ : દાંડિયાનો દરબાર
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સૂરજનાં દેશમાં ચાંદો ઉગ્યો રે લોલ, જોવાને ઉમટ્યું આખું ગામ,
હર કોઈ પૂછતું, ચાંદરડું હોય શું ? (2) ચાંદરડું ચાહવાનું નામ… (2)
સૂરજનાં દેશમાં ચાંદો ઉગ્યો રે લોલ…
ચંદાના દેશમાં રાતરાણી ખીલતી, જોવાને ઉમટ્યું આખું ગામ,
હર કોઈ પૂછતું, રાતરાણી હોય શું ? (2) રાતરાણી જાગવાનું નામ… (2)
સૂરજનાં દેશમાં ચાંદો ઉગ્યો રે લોલ…
ફૂલોનાં દેશમાં ટહુકો ફૂટ્યો રે લોલ, જોવાને ઉમટ્યું આખું ગામ,
હર કોઈ પૂછતું, ટહુકો તે હોય શું ? (2) ટહુકો બહેકવાનું નામ… (2)
સૂરજનાં દેશમાં ચાંદો ઉગ્યો રે લોલ…
ટહુકાનાં દેશમાં ટીપું પડ્યું રે લોલ, જોવાને ઉમટ્યું આખું ગામ,
હર કોઈ પૂછતું, ટીપું તે હોય શું ? (2) ટીપું દઝાડવાનું નામ… (2)
સૂરજનાં દેશમાં ચાંદો ઉગ્યો રે લોલ…
ટીપાનાં દેશમાં દરિયો ડૂબ્યો રે લોલ, જોવાને ઉમટ્યું આખું ગામ,
હર કોઈ પૂછતું, દરિયો તે હોય શું ? (2) દરિયો તરસવાનું નામ… (2)
સૂરજનાં દેશમાં ચાંદો ઉગ્યો રે લોલ…
-રિષભ મહેતા
September 19, 2009 at 6:00 pm | ઓડિયો, ગરબા, ગાયત્રી ભટ્ટ, રિષભ મહેતા
- Posted by ઊર્મિ |
આજે નવરાત્રિનાં પ્રથમ દિવસે મા અંબાને માત્ર ચાર દિવાલોવાળા મંદિરોમાં જ નહીં, પરંતુ આપણા મનનાં મંદિરિયામાં પધારાવાનું આમંત્રણ પણ આપીએ ને…?

સંગીત : રિષભ મહેતા
સ્વર : રિષભ મહેતા અને ગાયત્રી ભટ્ટ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.
અરજી અંતરની સ્વીકારો… સ્વીકારો રે.
શમણાનાં ફૂલડાંમાં સુરભિ ભરી દો,
આશાનાં દીવડામાં જ્યોતિ ભરી દો;
ચિતડાના ચોકને શણગારો… શણગારો રે,
મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.
આંખમાં રમે છે રૂમઝૂમ રજની રઢિયાળી,
હાથમાં હિલોળા લેતી ગરબાની તાળી;
ચરણોમાં તાક્ ધિના ધિન લયનો ધબકારો…
મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.
તનનાં તંબૂરે માડી નાદ થઈને આવો,
મૌનનો મધુરમ્… સાદ થઈ આવો;
અંતરમાં ગૂંજે તમારા જંતરના ઝણકારો…
મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.
-રિષભ મહેતા
October 13, 2008 at 5:00 pm | કૃષ્ણગીત, ગરબા, ગાયત્રી ભટ્ટ, ગીત, રિષભ મહેતા, સંગીત
- Posted by ઊર્મિ |

(ક્યાંક સપનામાં…!)
સંગીત : રિષભ મહેતા
સ્વર : રિષભ મહેતા અને ગાયત્રી ભટ્ટ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ક્યાંક સપનામાં વાંસળી વાગી રે લોલ.
આંખ મીંચી હું રાતભર જાગી રે લોલ.
ક્યાંક સપનામાં વાંસળી…
ક્યાંક સપનામાં ચાંદલો ચમક્યો રે લોલ…
મારો સાજન આંખોમાં મારી ઝબક્યો રે લોલ.
ક્યાંક સપનામાં વાંસળી…
ક્યાંક સપનામાં મોગરો મહેંક્યો રે લોલ…
શ્વાસ સાજનનો આસપાસ બહેક્યો રે લોલ.
ક્યાંક સપનામાં વાંસળી…
ક્યાંક સપનામાં હાથ તારો સ્પર્શ્યો રે લોલ…
રાતભર મેઘ મારી ઉપર વરસ્યો રે લોલ.
ક્યાંક સપનામાં વાંસળી…
-રિષભ મહેતા
October 8, 2008 at 1:00 pm | ગરબા, ગાયત્રી ભટ્ટ, ગીત, રિષભ મહેતા, સંગીત
- Posted by ઊર્મિ |

(દાંડીયા મારા જોમ ભરેલા… ફોટો સૌજન્ય: ચાલો ગુજરાત ‘08 )
સંગીત : રિષભ મહેતા
સ્વર : રિષભ મહેતા અને ગાયત્રી ભટ્ટ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
દાંડીયાનો દરબાર સજ્યો રાણી, દાંડીયાનો દરબાર…
દાંડીયાનો દરબાર સજ્યો રાણી, દાંડીયાનો દરબાર…
હે… લઈને આવો… આવો, લઈને આવો ઝાંઝરનો ઝણકાર…
દાંડીયાનો દરબાર સજ્યો રાણી, દાંડીયાનો દરબાર…
હે… મારી પાનીએ મહેંદીની ભાત
મારા રાજ, હું ચાલું તો કેમ તારી સાથ…
હે દાંડીયાનો દરબાર…
ઝાંઝર મારું ઝાંકળ જેવું, સૂરજ જેવો તું,
અડતો ન મારા ઝાંઝરીયાને, થાય ન જાણે શું…
હે… મારા ઝાંઝરને આવે છે લાજ
મારા રાજ, તું રહેજે દૂર જરા આજ…
હે દાંડીયાનો દરબાર…
દાંડીયા મારા વાંસના અને વાંસની વાંસલડી,
તમે બોલો તો વાંસના વનમાં ટહકે કોયલડી…
હે… કરો ગોરી… ગોરી, કરો ગોરી ગળચટ્ટો ટહુકાર…
દાંડીયાનો દરબાર…
કોણ જાણે કેમ વાંસનાં વનમાં આવતાં હું ગભરાઉં,
હાય રે હરફ પણ ન બોલું તો પણ હું પડઘાઉં…
હે… મૂંગા પડઘાને સાચવીને રાખ
મારા રાજ, હું બોલીને કેમ કરું વાત?
હે દાંડીયાનો દરબાર…
અરે, દાંડીયા મારા જોમ ભરેલા નમણું ઝાંઝરીયું,
આગની ઓથે ગોરી જાણે કે રમતું ચાંદરણું…
હે… રમે ઝાંકળ…ઝાંકળ, રમે ઝાંકળની સંગે અંગાર…
દાંડીયાનો દરબાર…
-રિષભ મહેતા
October 6, 2008 at 5:00 pm | કૃષ્ણગીત, ગરબા, ગાયત્રી ભટ્ટ, ગીત, રિષભ મહેતા, સંગીત
- Posted by ઊર્મિ |

( કુંજમાં વ્હાયે વ્હાલો…)
સંગીત: રિષભ મહેતા
સ્વર: ગાયત્રી ભટ્ટ અને વૃંદ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
કુંજમાં વ્હાયે વ્હાયે વ્હાયે વ્હાયે વ્હાયે વ્હાયે
કુંજમાં વ્હાયે વ્હાલો વાંસળી રે લોલ,
કુંજમાં વ્હાયે વ્હાલો વાંસળી રે લોલ.
નાદે વીંધી છે મારી પાંસળી રે લોલ,
કુંજમાં વ્હાયે વ્હાલો વાંસળી રે લોલ.
હું સૂણતાં ભૂલી સહુ ચાતુરી રે લોલ,
મળવા થઈ છું અતિ આતુરી રે લોલ…
કુંજમાં વ્હાયે વ્હાલો વાંસળી રે લોલ.
મારું ચિત્ત ચોટે નઈં ઘરકામમાં રે લોલ,
પેઠું છે મન ઘનશ્યામમાં રે લોલ…
કુંજમાં વ્હાયે વ્હાલો વાંસળી રે લોલ.
-રિષભ મહેતા
October 3, 2008 at 8:00 pm | કૃષ્ણગીત, ગરબા, ગાયત્રી ભટ્ટ, ગીત, રિષભ મહેતા, સંગીત
- Posted by ઊર્મિ |
(ફરી હાથમાંથી ભાન-સાન ભાગ્યા…)
સંગીત: રિષભ મહેતા
સ્વર: રિષભ મહેતા, ગાયત્રી ભટ્ટ અને વૃંદ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
હાં રે મૂઆ મુરલીનાં સૂર ફરી વાગ્યા…
હાં રે મૂઆ મુરલીનાં સૂર ફરી વાગ્યા.
હાં રે ફરી હાથમાંથી ભાન-સાન ભાગ્યા..ભાગ્યા…
મુરલીનાં સૂર ફરી વાગ્યા…
હાં રે મૂઆ મુરલીનાં…
તમે એવા તે કેવા અમને બાંધ્યા…
હાં રે તમે એવા તે કેવા અમને બાંધ્યા…
હાં રે અમે પોતાને પારકા લાગ્યા.. લાગ્યા…
મુરલીનાં સૂર ફરી વાગ્યા…
હાં રે મૂઆ મુરલીનાં…
તમે ભવભવથી પોતાના લાગ્યા…
હાં રે તમે ભવભવથી પોતાના લાગ્યા…
હાં રે તમને અમથા અમથા જ નથી માંગ્યા.. માંગ્યા…
મુરલીનાં સૂર ફરી વાગ્યા…
હાં રે મૂઆ મુરલીનાં…
અમે ના ના કહીને બહુ થાક્યા…
હાં રે અમે નાનાના કહીને બહુ થાક્યા…
હાં રે તમે માન્યા માન્યા ને નહીં માન્યા… માન્યા…
મુરલીનાં સૂર ફરી વાગ્યા…
હાં રે મૂઆ મુરલીનાં…
-રિષભ મહેતા
April 12, 2008 at 12:09 am | ગાયત્રી ભટ્ટ, ગીત, રિષભ મહેતા
- Posted by ઊર્મિ |
આજે રિષભઅંકલનું એક ગીત (ગીતઝલ?) એમનાં જ અવાજમાં…

(સાથ શું પૂરતો નથી…?)
સંગીતઃ રિષભ મહેતા
સ્વરઃ રિષભ મહેતા, ગાયત્રી ભટ્ટ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ક્યાં જશું? રસ્તો નથી…
સાથ શું પૂરતો નથી?
ચાલવાનું ક્યાં સુધી? આ શ્વાસ ચાલે ત્યાં સુધી.
શ્વાસ ચાલે ક્યાં સુધી? તું હાથ ઝાલે ત્યાં સુધી.
ઝાલવાનું ક્યાં સુધી? હું ઢળું ના ત્યાં સુધી.
તું ઢળે ના ક્યાં સુધી? તું મળે ના જ્યાં સુધી.
જાગવાનું ક્યાં સુધી? આ રાત જાગે ત્યાં સુધી.
રાત જાગે ક્યાં સુધી? તું ચાંદ માંગે ત્યાં સુધી.
માંગવાનું ક્યાં સુધી? થાય ઈચ્છા જ્યાં સુધી.
થાય ઈચ્છા ક્યાં સુધી? હોય આશા જ્યાં સુધી.
ઝૂરવાનું ક્યાં સુધી? ઝંખના છે જ્યાં સુધી.
ઝંખના છે ક્યાં સુધી? ચાહના છે જ્યાં સુધી.
ચાહવાનું ક્યાં સુધી? મન મરે ના જ્યાં સુધી.
મન મરે ના ક્યાં સુધી? તું ડરે ના જ્યાં સુધી.
ચાલ ડર, ફેંકી દઉં… લાવ, કરમાં ધર લઉં!
હોઠ પર તારા રમું… ગીત થઈને સરગમું…
ચાલ તો બસ, ચાલીએ… એકબીજાને ઝાલીએ…
દર્દને બહેલાવીએ… શબ્દને શણગારીએ…
જ્યાં જશું રસ્તો થશે…
ક્યાં જશું? રસ્તો નથી…
જ્યાં જશું રસ્તો થશે…
-રિષભ મહેતા