ગાગરમાં સાગર

સોલી કાપડિયા

સોલી કાપડિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અશ્રુ ચાલ્યા જાય છે … - શયદા
ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ -ભાગ્યેશ જહાં
કેવા રે મળેલા મનનાં મેળ (શ્રી ક્ષેમુદાદાને શ્રદ્ધાંજલી) -બાલમુકુન્દ દવે
કોકવાર આવતા ને -મહેશ શાહ
દિવસો જુદાઈના જાય છે -ગની દહીંવાલા
પ્રેમ એટલે કે -મુકુલ ચોક્સી
મારા હૃદયની વાત તને કહી રહ્યો છું આજ -મનોજ મુની
વર્ષાકાવ્ય ૨૭ : જળ પ્રપાત હે વહો નિરંતર -ભાગ્યેશ જ્હાં
વર્ષાકાવ્ય ૨૯ : (અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં) -ભગવતીકુમાર શર્મા
વર્ષાગીત ૨૮ : સાવ અચાનક મૂશળધારે -તુષાર શુક્લ
વર્ષાગીત ૩૦ : શ્રાવણનાં મેળામાં -ધનજીભાઈ પટેલ
વ્હાલબાવરીનું ગીત -રમેશ પારેખ
સોલી-નિશા કાપડિયા દ્વારા 'ગમતાનો કરીએ ગુલાલ'... મારી સીટ પરથી!

૨૧મી જૂલાઈનાં દિવસે ગુજરાતી સાહિત્યનાં ધૂરંધર શ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ હતો અને એ જ દિવસે ગુજરાતી સંગીતનાં પાયાસમાન શ્રી અવિનાશભાઈનો પણ જન્મદિવસ હતો… તો આજે એમને યાદ કરીને આપણે માણીએ, ખૂબ જ જાણીતું અને મને ખૂબ જ ગમતું એક ગીત…

rajasthani_beauty_pi01_l-sml

(આવો તમે તો મન ટહુકે આનંદમાં… ફોટો : વેબ પરથી)

સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કોકવાર આવતા ને જાતા મળો છો એમ મળતા રહો તો ઘણુ સારું.
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું.

પૂનમનો ચાંદ જ્યા ઊગે આકાશમાં ત્યાં ઉછળે છે સાગરના નીર,
મારું એ ઉર હવે ઉછળવા ચાહે એવું બન્યું છે આજ તો અધીર;
સાગરને તીર તમે આવોને ચાંદ શા ખીલી રહો તો ઘણું સારું,
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું.

મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે કોયલ કરે છે ટહુકારો,
આવો તમે તો મન ટહુકે આનંદમાં, ખીલી ઉઠે આ બાગ મારો;
શાને સતાવો ? મારી ઉરની સિતારના તારો છેડો તો ઘણું સારું,
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું.

કોકવાર આવતા ને જાતા મળો છો એમ મળતા રહો તો ઘણું સારું,
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું.

- મહેશ શાહ

‘શયદા’ની આ ગઝલના એક એક શેર પર આખેઆખા ગઝલસંગ્રહ કુરબાન… !! અને સાથે સોલીભાઇનો અવાજ હોય પછી તો પૂછવું જ શું ? આમ તો સોલીભાઇનું ‘પ્રેમ એટલે કે..’ આબ્લમના એક એક ગીત એવા છે ને તમે એમાંથી સૌથી ગમતું ગીત પસંદ જ ના કરી શકો… જાણે કે ગુજરાતી કાવ્ય-ગઝલ જગતમાંથી શોધી શોધીને અનમોલ મોતીઓનો ખજાનો લઇ આવ્યા છે એમાં… અને આ ગઝલ પણ એ જ માળાનું એક અમૂલ્ય મોતી છે.

સ્વર - સંગીત : સોલી કાપડિયા

This text will be replaced

હોય ગમ લાખો ભલે, એ ગમનો મુજને ગમ નથી
આપ શ્વાસે શ્વાસમાં છો એ ખુશી કંઇ કમ નથી

એક છે એની જુદાઇ એક એની યાદ છે
બેઉ બેનો છે બલા, તડપાવવામાં કમ નથી

એની ત્યાં દ્રષ્ટિ ફરી ને અહીંયા મુજ ભાવી ફર્યું
દમ વિનાની વાત છે, આ વાતમાં કંઇ દમ નથી

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
હું કહું છું જિંદગી ધોવાય છે

યાદ તારી ઉરમાં માતી નથી
એટલે તો આંખથી છલકાય છે

આપના દર્શનની ખૂબી શું કહું,
દિલના દસ કોઠામાં દીવા થાય છે

હાથ મારો છોડી એ જાતા નથી
બેઉ દુનિયા હાથમાંથી જાય છે

અર્થની ચર્ચા મહીં શયદા બધો
જિંદગીનો અર્થ માર્યો જાય છે

આજે પ્રસ્તુત છે બાલમુકુન્દ દવેની મને ખૂબ જ ગમતી રચના.  જેમનાં નામની આગળ હવે ‘સ્વ’ લખવું પડે એમ હોવા છતાં એવું લખવાનું મન નથી થતું.  પોતાનાં સંગીતનાં જાદુથી આવી મહામૂલી રચનાઓને સ્વરાંકિત કરીને એમને અમર કરવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપનાર અને ગુજરાતી સુગમ સંગીતનાં અસંખ્ય ચાહકોનાં ‘રુદિયાનાં રાજા’ બનીને અમર થઈ જનાર શ્રી ક્ષેમુ દિવેટીયાનાં સ્વરાંકનમાં… શ્રી ક્ષેમુદાદાને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી સહ.

rk34-sml
(કેવા રે મળેલા મનના મેળ…!)

સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા

સ્વર : હર્ષદા-જનાર્દન રાવલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર : સોલી-નિશા કાપડિયા
(ન્યુ જર્સીનાં જીવંત કાર્યક્રમ-2008-નાં રેકોર્ડિંગમાંથી)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાની રાણી ! કેવા રે મળેલા મનના મેળ ?

ચોકમાં ગૂંથાયે જેવી ચાંદરણાની જાળી
જેવી માંડવે વીંટાયે નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

તુંબુ ને જંતરની વાણી,
હે જી કાંઠા ને સરિતાનાં પાણી;
ગોધણની ઘંટડીએ સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

સંગનો ઉમંગ માણી,
હે જી જિંદગીંને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

-બાલમુકુન્દ દવે

maidens_welcoming_the_arrival_of_shravana_mf13sml
( શ્રાવણનાં મેળામાં - “મલકી કે પલકી ના પાંપણ સૈ રાતભર…!” )

સંગીત : સોલી કપાડિયા
સ્વર : નિશા (ઉપાધ્યાય) કપાડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શ્રાવણનાં મેળામાં નજર્યુંનાં સરવરીયે વરસીને મન ભીનું કીધું,
એક એક ફોરામાં પ્રીતનો અમલ હતો, ચેન ખોયું ને ઘેન લીધું.

વ્હાલપ વાગે મારા હૈયામાં એવી કે હૈયામાં સોંસરી વિંધાણી,
મેડીથી ઘેર જવું લાગતુ’તુ આકરું, સૈયરથી ખોટું રિસાણી;
ડગમગતા પગલે ઘેર પહોંચી છું જેમ તેમ, એવું તે દુ:ખ એણે દીધું.

ઓરડાનું બારણું આડું કરીને જરી ઢોલીયાને કાયા તે સોંપી,
ફૂલની સુવાસ જેવા મઘમઘતા સોણલાએ લાડ કરી લાગણીને પોંખી;
મલકી કે પલકી ના પાંપણ સૈ રાતભર, રાતુ પ્રભાત ઉગ્યું સીધું.

-ધનજીભાઈ પટેલ

‘શ્રાવણનાં મેળા’ની કલ્પના જ કેટલી આહ્લાદક અને રોચક લાગે છે !

rain_5739561
(મઘમઘતો સાદ જેવું કાંઈ નહીં !)

સ્વર અને સંગીત : સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયા,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ, પછી ફરફરતી યાદ; એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં,
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઈને આવે ઉન્માદ એવું કાંઈ નહીં;
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘુંટીને સાનભાન ખોતું નથી;
કોઈના પાલવની ઝૂલ, ભીનીભીની થાય ભૂલ, રોમેરોમે સંવાદ એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

ભગવતીદાદાની પ્રિયજનનાં વિરહની વેદનાથી તરબતર એવી ભીની ભીની અમર વરસાદી-રચના… વરસાદની મોસમમાં તો જ ખરેખર ભીંજાવાની મજા આવે  જો પ્રિયજનનો કાયમનો સાથ હોય, શાશ્વત સંગાથ હોય… પ્રિય વિનાનો મૂશળધાર વરસાદેય સાવ કોરોકટ્ટાક જ લાગવાનો… પછી એ ભલે ને મોસમનો પહેલો વરસાદ હોય કે પછી છેલ્લો વરસાદ હોય… લાગે તો એ આખરે વરસાદ જેવું કાંઈ નહીં !

આમ તો તુષારભાઈનાં ઘણાં વરસાદી કાવ્યો મને ખૂબ જ ગમે છે પણ આજે એમનું મને સૌથી વધુ ગમતું વરસાદી-ગીત સાંભળીએ અને માણીએ. અને હા, જ્યારે પણ હું આ ગીત સાંભળું ત્યારે માત્ર 2-4 વાર સાંભળવાથી તો કદી ધરાવાય જ નઈં હોં…!

 83a54
(આ વાદળ વરસે છે કે તું ? )

સ્વર અને સંગીત : સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સાવ અચાનક મૂશળધારે, ધોધમાર ને નવલખ ધારે,
આ વાદળ વરસે છે કે તું ?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

ગેબને આરે આભ ઓવારે શ્યામલ શ્યામલ મેઘ ઘેરાયા,
કુંતલ કંઠે આવકારના પ્રીત-ગીત નભમાં લહેરાયા;
ઉત્કટ મિલનની પ્યાસ લઈને, આલિંગન અણમોલ દઈને
આ મનભર મેઘ મળે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

દાવા છોડી લ્હાવા લઈએ, ભીંજાઈને ભીંજાવા દઈએ,
આજ કશું ના કોઈને કહીએ, મોસમ છે તો વરસી રહીએ;
તરસતણાં ચલ ગીત ભૂલીને, વરસ હવે તું સાવ ખૂલીને,
હવે કોઈ પાગલ કહે તો શું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

-તુષાર શુક્લ

બોલો મિત્રો, તમે આજે ખરેખર મૂશળધારે, ધોધમારે ને નવલખ ધારે ભીંજાઈ ગયા કે નઈં…?!  :)

green
(કેવું વિસ્મિત જંતર…!      Satellite view of rain!)

સ્વર : સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જળ પ્રપાત હે વહો નિરંતર, અનંત યુગોથી અનંત રાગથી,
ગીત ઊઠે તુજ મહા નિરંતર, જળ પ્રપાત હે વહો નિરંતર.

મહાર્ણ્વોનું મૌન ઓગળે, વાદળ વરાળ આગ ઓગળે;
સતત સતત આ ધૈર્ય ભાવનું કેવું વિસ્મિત જંતર !
જળ પ્રપાત હે વહો નિરંતર.

અનરાધાર તું, ધોધમાર તું, સરળ સહજ પણ ધરાધાર તું;
તવ ચરણોમાં શોભે કેવું મેઘધનુનું તંતર !
જળ પ્રપાત હે વહો નિરંતર.

-ભાગ્યેશ જ્હાં

જળની વહેવાની કે વરસવાની પ્રકૃતિ અને પ્રકૃતિમાં એનાં અસ્તિત્વનું કવિએ કરેલું અદભૂત વર્ણન…!

(નજરું ભરીભરી પ્રથમ મેં હેત ઠાલવ્યું…!)

સંગીત-સ્વર: સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારા હૃદયની વાત તને કહી રહ્યો છું આજ,
વર્ષો વિત્યે ફરી મળ્યા તો વહી રહ્યો છું આજ.

કાલે સવાર પડતા ને ઝાકળ ઉડી જશે,
ખરતા ફુલો મંહી જરા સુગંધ રહી જશે,
ફુલોના આંસુઓની કથા કહી રહ્યો છું આજ… મારા

દરિયો ઉલેચ્યો આપણે આંખે ઉકેલી રેત,
મરજીવા થઈ મૃગજળતણાં માંડી’તી કેવી ખેત !
મોતી થવાની કોરી વ્યથા કહી રહ્યો છું આજ… મારા

નજરું ભરીભરી પ્રથમ મેં હેત ઠાલવ્યું,
સાન્નિધ્ય લઈ સ્મૃતિનું પછી મૌન જાળવ્યું;
શબ્દોની શેરી સાંકળી ભેદી રહ્યો છું આજ,
પૂછ્યું તમે કે ‘કેમ છો?’ પીગળી રહ્યો છું આજ…

-મનોજ મુની

પ્રિયને કહેવી પડે એવી જ જો વાત હોય તો પછી એ વાતનું મહત્વ જ કેટલું રહે ?  એટલે કે આમ તો પ્રિયજનને હૃદયની વાત કહેવી પડતી જ નથી હોતી (ન જ હોવી જોઈએ), પરંતુ છતાં ક્યારેક આ ‘કહેવું’ ખૂબ જ જરૂરી થઈ જાય એવું પણ બને…!  વર્ષોની અદમ્ય ઝંખના પછી અચાનક આવી ચડેલા ‘મળવા’નાં ધોધમાર અવસરમાં ક્યારેક પીગળવું, વહેવું કે ખોવાવું એ જ કદાચ નક્કી નહીં થઈ શકતું હોય !  ક્યારેક મૃગજળનાં દરિયાનાં મરજીવા બનીને સપનાની ખેતી કરવાની લાગતી મધૂરપ… તો ક્યારેક કિંમતી મોતી જેવા થઈને ભિંજાવા છતાં કોરા રહી જવાની કોરી વ્યથાની આભાસી અધૂરપ…!  નજરું ભરીભરીને હેત ઠાલવવાનું થતું મધૂરું સ્મરણ… પછી અધૂરી વ્યથાનું પુરુ મૌન… અને એ મૌનને પણ ન સહેવાતા ફરી શબ્દોની શેરીમાં ઘૂમવાની મધૂરી ચેષ્ટા.  આવી બધી માત્ર પરસ્પર સમજવા જેવી હૃદયની અધૂરી-મધૂરી સૂક્ષ્મ સંવેદનાઓને કવિએ અહીં ખૂબ જ અસરકારક રીતે અધૂરી નહીં પરંતુ પૂરી આલેખી છે.  વળી સોલીભાઈનું એકદમ શાંત-હળવું-મધૂરું સંગીત અને ઉપરથી એમનાં મઘૂરા સ્વરે તો આ ગીતને નિ:શંક વધુ નિખાર આપ્યો છે…!  તમારું શું માનવું છે મિત્રો ?!

આજે લયસ્તરો ઉપર મૂકવામાં આવેલી યાદગાર ગઝલમાં એક ગઝલ આ મૂકવામાં આવી છે… તો મને થયું કે હું સોલીભાઈનાં સ્વરમાં ફરી તમને એક ઓડિયો સંભળાવવાનો લ્હાવો લઈ લઉં… એમ તો સોલીભાઈનાં અવાજમાં તમે નીચે પણ સાંભળી જ શકો છો… પરંતુ આ ઓડિયો મે 2008નાં લાખાણી ઓડિટોરીયમ, ન્યુ જર્સીનાં જીવતાં પ્રોગ્રામ (live program)ની છે.  :-) ખરેખર આ ગઝલને હાજરાહજૂર સાંભળવાની પણ એક અલગ જ મજા છે… અને મને પૂરી ખાતરી છે કે તમને પણ આ સાંભળવાની ખૂબ જ મજા આવશે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

————

Originally posted on…

June 27, 2008

એક સપ્તાહની ઉજવણી કર્યા પછી એક સપ્તાહથી વધારે રજા પણ ભોગવી લીધી… અને હવે આજે ગનીચાચાની ઘણી પ્રખ્યાત રચના ફરી માણીએ… અને વાગોળીએ… આ ગઝલનાં મારા સૌથી પ્રિય એવા ખૂબ જ પ્રખ્યાત અશઆર ૧, ૨, ૫, ૬, ૭ તો જાણે પોતે જ એક એક આખી ગઝલ હોય એમ લાગે છે !

(અમે રંક નારની ચૂંદડી…)

સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર : મુહમ્મદ રફી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

- ગની દહીંવાલા

(સાભાર લયસ્તરો પરથી…)

rose_with_thorn-sml.jpg
(ઉંચકી સુગંધ…!)

સ્વર-સંગીત: સોલી કાપડિયા 

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?

સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની  લે છે કોઇ નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું?

ધારો કે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક દી’ ની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
તો મળવાના ખ્વાબોનું શું ?

- ભાગ્યેશ જહાં

* If you can't see Gujarati click here
* Read this blog in
हिन्दी (देवनागरी) OR English (ROMAN)