May 22, 2010 at 1:00 am | ઓડિયો, મનોજ ખંડેરિયા, શ્યામલ મુનશી, સૌમિલ મુનશી
- Posted by જયશ્રી |
મને ખૂબ જ ગમતી ગઝલ.. શબ્દરચનામાં મનોજ ખંડેરિયાએ, અને સ્વર આપવામાં શ્યામલભાઇએ ખરેખર કમાલ કરી છે..!!
સ્વર : શ્યામલ મુન્શી
સંગીત - શ્યામલ - સૌમિલ મુન્શી

This text will be replaced
હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.
એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.
આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.
કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.
શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.
November 8, 2009 at 1:00 am | આરતી મુન્શી, ઓડિયો, ગીત, તુષાર શુક્લ, લગ્નોત્સવ, શ્યામલ મુનશી, શ્યામલ-સૌમિલ, સૌમિલ મુનશી, હસ્તાક્ષર આલ્બમ
- Posted by ઊર્મિ |
જેમનાં લગ્નનાં શુભ પ્રસંગે અમે લયસ્તરો.કૉમ, ઊર્મિસાગર.કૉમ અને ટહુકો.કૉમ પર ધાંધલ-ધમાલ કરી હતી, એ અમારા વ્હાલા મિત્રો ધવલ અને મોનલને આપણા સૌનાં તરફથી સુખી અને પ્રસન્ન દાંમપત્યજીવન માટે મબલખ શુભેચ્છાઓ… આજનું આ ગીત ખાસ એ નવદંપતિને અર્પણ. લયસ્તરો પર grand finale રૂપે લગ્નની સજીવ ઝલક જોવાનું ચૂકશો નહીં…!

(એકમેકના સાથમાં શોભે… ધવલ-મોનલ!)
સંગીત: શ્યામલ - સૌમિલ મુન્શી
સ્વર: સૌમિલ - આરતી મુન્શી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
હળવે હળવે શીત લહેરમાં ઝુમી રહી છે ડાળો,
સંગાથે સુખ શોધીએ, રચીએ એક હુંફાળો માળો !
એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણ સાથે,
મનગમતા માળાનું સપનું જોયું છે સંગાથે;
અણગમતું જ્યાં હોય કશું ના માળો એક હુંફાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !
મનગમતી ક્ષણ ના ચણચણીએ ના કરશું ફરિયાદ,
મખમલ મખમલ પીંછા વચ્ચે રેશમી હો સંવાદ;
સપના કેરી રજાઈ ઓઢી માણીએ સ્પર્શ સુંવાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !
મજીયારા માળામા રેલે સુખની રેલમછેલ,
એકમેકના સાથમાં શોભે વૃક્ષને વીંટી વેલ;
મનહર મદભર સુંદરતામાં હોયે આપણો ફાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો
-તુષાર શુક્લ

(Oven-fresh wedding pic!)
See more pics here on Layastaro !
… now, let us continue to enjoy the wedding reception party!
September 4, 2009 at 10:00 am | આરતી મુન્શી, ઓડિયો, ગીત, તુષાર શુક્લ, માલવ દિવેટીઆ, સૌમિલ મુનશી
- Posted by ઊર્મિ |
આજનું સખી-ગીત ટહુકોવાળી સખી માટે… જે મેં પ્રથમવાર ટહુકો ઉપર જ સાંભળ્યું હતું અને ત્યારે એણે એ મારે માટે જ મૂક્યું હતું. આજે એ જ ગીત હું ય એનાં માટે જ અહીં almost કોપી-પેસ્ટ કરું છું… એણે ત્યારે તાલી આપેલી તો મારેય સામી આપવી તો પડે જ ને…! (શું કરું, આનાથી મધુરું ગીત મને બીજું મળ્યું જ નઈં!) :-) વ્હાલી જયશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ સહ…!
સંગીત : માલવ દિવેટીઆ
સ્વર : સૌમિલ અને આરતી મુન્શી

(પાંપણ પાળે પ્રીત વસે છે…)
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ટહૂકે ટહૂકે ઓગળવુ એ પ્રેમ, સખી, દે તાલી !
આ વધઘટ મનમાં વ્હેમ, પ્રિયે, લે તાલી… દે તાલી !
અધ-મધરાતે ઊડી જતાં એ સપનાં કેરાં સમ,
આંખોના આકાશમાં હોયે કાં’ક તો નીતિ નિયમ;
પરવાળાના ટાપુ જેવી નીંદરને ના લડીએ,
પાંપણ પાળે પ્રીત વસે છે એને જઈને કહીએ.
હોવું આખું મ્હેંક મ્હેંક કે પ્રેમ, સખી, દે તાલી !
આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી… દે તાલી !
આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીનાં જલ,
અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પલ પલ;
નક્શાની નદીઓને માથે ચિતરાયાનો શ્રાપ,
અધક્ષણ ઉપરવાસમાં મૂઠ્ઠી ચોમાસા શું આપ !
સૂર્યમુખીના સંબંધોની પરવશતાનાં પ્રેમ, સખી, દે તાલી !
આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી… દે તાલી !
-તુષાર શુક્લ
તુષારભાઈનાં ગીતો માટે તો મને હંમેશા પક્ષપાત જ રહેવાનો. એમનાં ગીતો વિશે જેટલું લખું એટલું ઓછું જ પડે. ઘણીવાર તો કલમને હેઠે જ મૂકી દેવી પડે…………… (મતલબ કે કી-બોર્ડ પરથી હાથ જ ઉઠાવી લેવો પડે!)
March 21, 2008 at 12:57 pm | ઉમાશંકર જોશી, ગીત, દિપાલી સોમૈયા, ભાઈલાલભાઈ શાહ, વસંત, સંગીત, સૌમિલ મુનશી, હસ્તાક્ષર આલ્બમ, હોળી-ધુળેટી
- Posted by ઊર્મિ |
સૌ મિત્રોને ફાગણ અને હોળીનાં હાર્દિક વધામણાં…
ધૂળેટી સ્પેશ્યલ માટે કાલે અહીં ફરી પધારવા વિનંતી…!

Full photo cropped
(કેસૂડાં… ઉપરનાં ફોટા: હરનીશભાઈ જાની)

(વ્હાલા મોરા, ફાગણ પાછો લાવ… કેસૂડાં… ફોટોઃ ખબર નથી!)
આલ્બમઃ હસ્તાક્ષર
સંગીતઃ ભાઈલાલભાઈ શાહ
સ્વરઃ સૌમિલ મુનશી, દિપાલી સૌમૈયા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.
ગોરી મોરી,હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
વ્હાલા મોરા,ઝૂલ્યો મેલ્યો ન જાય કે ઝૂલશું જિંદગી રે લોલ.
ગોરી મોરી,ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે લોલ;
વ્હાલા મોરા, આ શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.
ગોરી વ્હાલે મેલી આંબલીયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે લોલ;
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે લોલ.
આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે લોલ.
આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે લોલ;
વ્હાલા મોરા,બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અંહી ખડી રે લોલ.
-ઉમાશંકર જોષી