ગાગરમાં સાગર

આજે એષાનાં જન્મદિવસે આપણે માણીએ એનું એક નાનકડું પણ બળુકું અછાંદસ, એષાનાં જ ગળચટ્ટા અવાજમાં.  મારા, તમારા અને ઊર્મિસાગર.કૉમ તરફથી પ્રિય એષાને જન્મદિવસની અનેકાનેક શુભેચ્છાઓ… (અને ભવિષ્યનાં આનંદ-મંગલ ઈંટરવ્યુ માટે હાર્દિક શુભકામનાઓ પણ ! :-) )

Happy Birthday, Dear Esha !!

esha-interview
(ભવિષ્યનાં આયોજન…?!)

રાંધતા આવડે?
એણે પૂછ્યું,
મેં કહ્યું, હા..
કઈ ડીશ સારી બનાવી શકે?
મેં એનો પણ જવાબ આપ્યો
ફિલ્મો જોવાની ગમે?
મેં હા પાડી
પછી તો રીતસરનો પ્રશ્નોનો મારો શરુ થયો
ક્યાં ફરવાનું ગમે? મિત્રો કેવા?
હું એક પછી એક બધા જ પ્રશ્નોના જવાબો આપતી ગઈ…
પછી થોડી ઘણી વાતો પણ કરી
ભવિષ્યના આયોજનની, સ્ટાઈલ ઓફ લીવીંગની, ગમતી ફિલ્મોની,
મિત્રોની,
પણ
ઉભા થતી વખતે
ચાર દીવાલોમાંથી ઘર બનાવવાનો ઉલ્લેખ ન તો એણે કર્યો
ન તો હું કશું બોલી…!!

-એષા દાદાવાળા

આજે એષાનું એક ઓવનફ્રેશ અછાંદસ અને એનું પ્રભાવશાળી પઠન… જે ખાસ એષાએ આ વર્ષગાંઠ-સ્પેશ્યલ સપ્તાહ માટે મોકલ્યું છે..!  (ઓડિયો માટે મેહુલ સુરતીનો આભાર.) 

 acceptance-elizabeth-silk
(Acceptance…    painting by Elizabeth Silk)

સ્વર : એષા દાદાવાળા

હવે હાથથી કશું પણ છૂટી જાય છે,
ત્યારે આંખો ભીની નથી થતી..
પણ સ્તબ્ધ થઈ જાય છે.
સંબંધો કાચનાં વાસણ જેવા હોય છે
એવું સમજાય તો ગયું’તું સમયસર,
છતાંયે…
આંગળીએથી ઘણું છૂટી ગયું તે છૂટી જ ગયું..
દરેક વખતે હું ટળવળી.. કકળી.. રડી…
પણ
હાથથી છૂટી ગયેલું કશું જ પાછુ ફર્યુ નહીં.
હવે
કોઈ અણિયાળા પત્થરથી
મારા પર ઘા થતો હોય
ત્યારે હું લોહીલુહાણ
થઈ ગયેલા બધાં જ વાઘા ફગાવી દઈ
ચીસ પાડું,
શરીરમાંનું બધું જ જોર ભેગું કરું
અને કોઈ સ્ત્રી પ્રસવ વખતે જોર કરી બાળકને નીચે ધકેલે
એમ જ
ધકેલી દઉં મને મારી જ બહાર…
પછી આંગળીને ખાલીપો વર્તાય..
અને હું
હાથથી બધું જ છૂટી ગયાંની ખાતરી કરી
સ્તબ્ધ થયેલી આંખો સાથે
પાછી ફરું મારામાં..
હવે
મને સમજાઈ ગયું છે
કે ગર્ભ ધારણ કર્યા પછી
પ્રત્યેક પ્રસવે
મારે તો મૃત બાળકને જ જન્મ આપવાનો છે..!!

-એષા દાદાવાળા

સ્વીકાર… ઘણીવાર આ સ્વીકાર (Acceptance) નો અર્થ આપણે સંજોગો સામે ‘give up’ કરવું- એમ કરતાં હોઈએ છીએ..!   અને આ કાવ્યમાંથી પણ એવો જ નિરાશાવાદી સૂર સંભળાય છે.  પરંતુ ’સ્વીકાર’નો મતલબ કાયમ એવો નથી હોતો કે સંજોગો સામે નાસીપાસ થઈને પ્રયત્નોનાં દરેક શસ્ત્રોને હેઠે મૂકી દેવા… ક્યારેક સંજોગોને બદલવામાં શક્તિનો વ્યય કરવાની જગ્યાએ જેવા-છે-તેવા સંજોગોનો સ્વીકાર કરવાથી એ જ શક્તિ આપણે સંજોગો સામે ઝઝૂમવામાં પણ કામ આવી શકે…  અને તો કદાચ વિષમ પરિસ્થિતિમાં પણ જીવન જીવવા જેવું લાગે, એવુંયે બને.  કેટલીયે એવી અનાથ ઊર્મિ હશે જેણે આપણી ભીતર લગી આવવું હશે… બની શકે કે આ સંજોગોનાં સ્વીકારથી અને ‘સ્વ’નાં આવિષ્કારથી જ એને ‘આપણાપણા’નું ઘર મળી શકે…!

આજે એષાનું એકદમ તરોતાજા કાવ્ય… ખાસ ‘ગાગરમાં સાગર’ માટે… આભાર એષા !

ladywaiting-sml

(આગમનનાં ભણકારાં…?)

હું હમણાં આઉં છું,
એવું કહીને ‘કોઈ’ જાય
પછી પાછું આવે જ નહીં,
આપણે રાહ જોતાં હોઈએ તો પણ…!
દિવસો વર્ષો થઈ જાય તો પણ…!
ત્યારે એવું થાય કે,
સૂકાઈ ગયેલાં આંસુઓ
આંખ સાથેનો છેડો ફાડી નાંખે.
પછી,
મોબાઈલ પર ફ્લેશ થતાં પ્રત્યેક નામમાં -
મેસેજનાં બીપમાં -
મંદિરનાં ઘંટમાં -
ડોરબેલનાં અવાજમાંથી
મરી પરવારેલી
એમનાં પાછા ફરવાની આતુરતાને
અગ્નિદાહ દેવાની ય જરૂર નહીં પડે…!
અને તો ય -
એ હવે પાછાં નહીં જ ફરે એવું મન મનાવી લીધાં પછી પણ,
અચાનક
એકાદી સાંજે
કારણ વગર બંધ દરવાજાં સુધી પહોંચી ગયેલી નજરને
પાછી વાળતાં
આંખ ભારી કેમ થઈ જાય છે?
મન,
એમને ફરીવાર કઈ રીતે મળી શકાયનાં પેંતરાઓ રચવામાં જ
આખો દિવસ કેમ વ્યસ્ત રહે છે,
એ સમજાતું નથી…!!

-એષા દાદાવાળા

એમ તો ઘરેથી વિદાય લેનાર દરેક મહેમાન મોટેભાગે ફરી આવવાનો વાયદો કરીને જ જતાં હોય છે.  પરંતુ આપણે ક્યાં દરેક જણની રાહ જોઈએ છીએ..!   હા, રાહ જોવાય છે ફક્ત કોઈ એક ‘ખાસ જણ’ની, જે કહીને તો ગયું હોય છે કે હું હમણાં આઉં છું , પણ પછી એમનાં આવવાનાં કોઈ એંધાણ જણાતા નથી.  અહીં એ ખાસ જણ કેમ પાછું નથી ફર્યુ, એ વિશે કોઈ ખબરેય નથી અને એની કોઈ અટકળેય નથી.  રાહ જોતાં જોતાં દિવસો મહિનાઓ અને મહિનાઓ વરસો થઈ ગયા છે.  રાહ જોઈ જોઈને આંસુ પણ સૂકાઈ ગયા છે અને આંખોયે થાકી ગઈ છે પણ મનને હજીયે આશા છે કે કદાચ………!    વળી, રાહ જોવાની બંધ કરવી એટલે કે પ્રિયનાં આગમનની નિરર્થક લાગતી અપેક્ષાનીયે હત્યા કરવી, જે નાયિકાના મનને બિલકુલ મંજૂર નથી.  અને એટલે જ લાગે છે કે પ્રતિક્ષાનો અંત આવી ગયો છે અને તોય હજી રાહ જોવાય છે… જાણે કે ચીર-પ્રતિક્ષા!  મતલબ કે પ્રતિક્ષાનો અંત નથી જ આવ્યો, બલ્કે આ કવિતાનાં શિર્ષકની જેમ એ પ્રતિક્ષા હવે માત્ર પ્રશ્નાર્થ બનીને રહી ગઈ છે…!  અહીં મને ભગવતીદાદાનો એક શેર યાદ આવે છે-

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે.

fultonmansion-sml

(બાલ્કનીમાં ગ્રીનરી…)

જોઈએ છે એક ઝાડ!
જેની ડાળી પર પંખીઓના માળા
ન હોય તો ચાલશે,
પણ એ પાનખર-પ્રૂફ હોવું જોઈએ!
બારેમાસ લીલું ને લીલું રહેતું હોય એવું-
ઊચું-બીજા માળે આવેલા ફલેટની
મારી બાલ્કની સુધી પહોંચી શકે એટલું!
અને ઘટાદાર પણ જોઈએ જ,
જેનાથી બાલ્કનીનો વ્યૂ તો સુધરી જ જાય
પણ જેને બતાવીને
અંગ્રેજી મીડિયમમાં ભણતા દીકરાને
ગ્રીનરી પર એસે પણ લખાવી શકાય!

- એષા દાદાવાળા

એષાનું કાવ્ય હોય અને એ ધારદાર ન હોય, એ વાતમાં માલ નથી…! :) વાત ઝાડની છે પણ આડકતરી રીતે આપણી ભાષાનું વૃક્ષ મૂળથી ઊખડી જાય છે એની તરફનો ઈશારો છે… સુ.દ. દ્વારા  આ કાવ્યનો આસ્વાદ ખૂબ જ સુંદર અને ખરેખર માણવા લાયક છે.

તાજેતરમાં એષાનો ‘વરતારો’ નામનો કાવ્યસંગ્રહ પણ પ્રગટ થયો છે.  એષાની અન્ય કવિતાઓ અહીં માણી શકો છો અને એના અવાજમાં સાંભળી પણ શકો છો…

સાંભળ્યું છે કે ગુજરાતમાં હજી ચોમાસુ જવાનું નામ નથી લેતુ… અને ત્યારે મને એષા દાદાવાળાનું આ ગીત યાદ આવ્યું.

પાણીનાં પૂરમાં પપ્પા ખોવાઈ જવાની અને જીવનમાંથી કાયમ માટે એમનાં ચાલી જવાની વેદના રજૂ કરતું, આગળ એકવાર અહીં મૂકેલું એષાનું આ ગીત આજે આપણે શ્રાધ્ધનાં આ દિવસોમાં એષાનાં જ અવાજમાં સાંભળીએ અને માણીએ… અને ચાલી ગયેલા આપણા પ્રિયજનોને શ્રધ્ધાંજલી અર્પીએ.

સ્વર: એષા દાદાવાળા

*

મિત્રો, અહીં આગળ મૂકેલી એષાની અછાંદસ કવિતા એક હતી વાર્તા તો તમે માણી જ હશે, ખરું ને?! અને જો ન માણી હોય તો આગળ વાંચવા પહેલાં જરૂરથી એ પહેલા અહીં સાંભળજો હોં… કારણ કે એ જ કવિતાનાં સંદર્ભમાં એષાએ સાચે જ એક નાનકડી પત્ર-વાર્તા લખી છે, જે એની કવિતાની જેમ જ ખૂબ જ ચોટદાર અને ખરેખર વાંચવા જેવી છે… મારા મતે તો જો એ વાર્તાની સાથે લેખિકાનું નામ વાંચ્યું ના હોય તો યે એ વાંચીને ખબર પડી જ જાય કે એ એષાની જ વાર્તા છે… કારણ કે એષાની કવિતાઓમાં સતત જોવા મળતા પેલાં તેજસ્વી તણખાં અને આપણને છેક અંદર સુધી ઝમઝમાવી જતા એનાં તિખારાં આ વાર્તામાં પણ અચૂક અનુભવાય છે. જેમ કે - “બા, ઈશ્વરને જો બા હોત તો એણે તારા શરીરને આમ જકડાવી નહીં દીધું હોત…!” શ્રાધ્ધનાં આ દિવસોમાં ‘દિવ્ય ભાસ્કર’માં શરૂ થયેલી શ્રધ્ધાં-વિશેષ કોલમની આ એની પ્રથમ પત્ર-વાર્તા છે. શ્રધ્ધાં-વિશેષ કોલમની એષાની બીજી હૃદયસ્પર્શી પત્ર-વાર્તાઓ પણ તમને જરૂરથી વંચાવીશ… અને મને ખાતરી છે કે તમને એ વાંચવી જરૂર ગમશે.

————

February 2, 2008

dsc00232.jpg
(મારા પપ્પા ખોવાયા છે…)

તમે એમને જોયા છે?
પૂરનાં ચઢતાં પાણીની ઘૂમરીઓ વચ્ચે
મારા પપ્પા ખોવાયા છે…!

પપ્પાને ઓળખવાનો એક
સીધો રસ્તો કહું?
એમની એક આંખમાં મમ્મી રહે
ને બીજી આંખમાં હું !
પાણી લેવા વાંકા વળ્યા ને બાલ્કનીમાંથી ઢોળાયા છે !
મારા પપ્પા ખોવાયા છે !

ઘરમાં બધું કોરુંકટાક,
ખાલી પપ્પાની આંખોમાં પાણી
તરસને અંદર જ છુપાવી દીધેલી
પપ્પાએ કેમ કરી જાણી?

હાથમાં પાણી ને આંખમાં પણ પાણી,
એવા કોઈ દેખાયા છે ?

નીચેથી ઊતરેલું પાણી સીધું
મમ્મીની આંખે ભરાયું
એ છુપાવી છુપાવી આંસુ લૂછે,
મારાથી ખુલ્લું રડાયું.

મોડે મોડે હવે મને પપ્પા સમજાયા છે.
ત્યારે જ જુઓ ને, મારા પપ્પા ખોવાયા છે !

-એષા દાદાવાળા (2006માં આવેલાં તાપીનાં પૂર પછી લખેલું ગીત)

મિત્રો, આજનું ખાસમખાસ એટલે એષાનો મીઠો મધૂરો અવાજ અને એનું કાવ્યપઠન… અને એ ય એક નહીં, પણ બબ્બે કવિતાઓનું કાવ્યપઠન… એષાનું આ સુંદર કાવ્યપઠન સાંભળીને મને તો થયેલું કે મારા પ્લેયરમાં ‘રીપીટ’નું બટન હોત તો એને ચાલુ કરીને હું ક્યાંય સુધી બસ એને સાંભળ્યા જ કરત… અને પછી તો લગભગ 8-10 વાર મેં સાચ્ચેસાચ મેન્યુઅલી રીપીટ કર્યા કર્યુ હોં… !  અને મને પૂરી ખાત્રી છે કે તમે પણ એકથી વધુવાર તો એને જરૂર સાંભળશો અને માણશો જ…!!  :-)  

અત્યંત ભાવવાહિ અને ચોટદાર અછાંદસ કાવ્યો માટે જાણીતી સુરતની આ નાનકડી છોકરી એષા દાદાવાળા, થોડા સમય પહેલાં જ શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીતી લઈ અભિનય ક્ષેત્રે ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.  મારા અને તમારા તરફથી એષાને ઉજ્જવળ ભવિષ્ય માટે મબલખ શુભકામનાઓ…!

ખાસ આ વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે બનાવીને મોકલેલા આ કાવ્યપઠન માટે એષાનો અને મેહુલ સુરતીનો ખૂબ ખૂબ આભાર…! 

એક હતી વાર્તા…!

સ્વર: એષા દાદાવાળા

હું મારી બાને પરી કહેતી,
બા પરીઓની વાર્તાઓ કરતી
હું બંધ આંખે એ વાર્તા વિઝ્યુલાઈઝ કરતી
અને પરી બા જેવી જ દેખાતી
સફેદ લૂગડું પહેરેલી…!
પરીઓ ગમતી
કારણ, બા બહુ ગમતી.
એક દિવસ પરીઓને પેરેલિસિસ થયો
બાની જેમ જ…
અને મેં કાતર લઈને પરીઓની પાંખો કાપી નાંખેલી…!
એણે હવે ઊડવાનું ન્હોતું
કારણ, બા ચાલવાની ન્હોતી - ક્યારેય પણ !
બાના લકવાગ્રસ્ત હોઠ ખૂલી શક્તા નહીં
એટલે પરીઓનો બહાર નીકળવાનો તો
પ્રશ્ન જ ન્હોતો.
પરીઓ અકળાતી ગૂંગળાતી
બાના વાંકે અમે શું કામ સજા ભોગવીએ ?
પણ પાંખો વગર
એ બિચારી કરી પણ શું શકે?!
લકવાગ્રસ્ત બા હવે સારી થવાની ન્હોતી
એટલે
પરીઓ ઊડવાની ન્હોતી - ક્યારેય પણ…!
એક દિવસ
બા સૂઈ ગઈ - ચિતા પર !
અને મરી પરીઓ ગઈ.
હવે,
એને સમજાઈ ગયું છે.
ક્યાંય પણ
કોઈપણ બા વગર એનું અસ્તિત્વ જ નથી !

-એષા દાદાવાળા

ગર્ભપાત

સ્વર: એષા દાદાવાળા

એ રાત્રે
આંખો અને પાંપણો વચ્ચે
સફળ સંસર્ગ થયેલો
અને આંખોને
ગર્ભ રહી ગયેલો
સપનાનો.
માના પેટમાં બચ્ચુ આકાર લે
બસ એમ જ
સપનું પણ
વિકસવા લાગ્યું આંખોમાં…!
આંખોને મીઠા ગલગલિયા પણ થયા.
ત્યાં અચાનક
પોપચાં ફડક્યાં…
હાથેથી આંખોને પસવારી પણ ખરી,
ત્યાં જ 
આંખેથી નીકળ્યું પાણી.
સફેદ શ્વેતપટલ
લાલ લાલ થઈ ગયો.
આંખો ખૂલી ગઈ
અને
ફરી એકવાર
કસમયે
ગર્ભપાત થઈ ગયો
એક સપનાનો…!

-એષા દાદાવાળા

મિત્રો, આવતી કાલે… 2જી વર્ષગાંઠ નિમિત્તે થયેલી એક અઠવાડિયાની આ ઉજવણીનો છેલ્લો દિવસ છે… એટલે કે grand finale… આપ સૌ માણવા માટે જરૂરથી પધારજો હોં…!!

 

* If you can't see Gujarati click here
* Read this blog in
हिन्दी (देवनागरी) OR English (ROMAN)