મિત્રો, એક મહિનાનો આ મૂશળધાર વરસાદ આજે અહીં વિરામ લે છે અને આશા છે કે આપ સૌને આ વર્ષાકાવ્ય સ્પેશ્યલ માસમાં ભીંજાવાની મજા આવી હશે. જો કે, અમેરિકાનાં વરસાદનાં તો આમેય કોઈ ખાસ ઠેકાણાં નથી હોતા; એટલે ગમે ત્યારે વચ્ચે વચ્ચે ઝાપટું આવીયે જાય, કાંઈ કહેવાય નઈં…! :)
આજે આપણે માણીએ અનિલભાઈનું એક ખૂબ જ મજાનું ગીત… પહેલાં આ ગીત સાંભળો, પછી હું તમને આ ગીત વિશેની એક મજાની વાત પણ કરીશ. આમ તો આ ગીતમાં પેલ્લા એટલે કે પહેલા વરસાદની વાત છે પણ મેં છેલ્લી વર્ષાપોસ્ટ તરીકે મૂક્યું છે; કારણ કે દરેક વરસાદ પેલ્લા વરસાદ જેવો જ ખાસમખાસ લાગવો જોઈએ ને…?!

(પેલ્લા વર્સાદનો છાંટો… ફોટો: વેબ પરથી)
સ્વર : હેમા દેસાઈ
સંગીત : આશિત દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવાને હાલી રે…
વ્હેંત વ્હેંત લોહી કાંઈ ઊંચું થિયું ને
જીવને તો ચડી ગઈ ખાલી રે…
સાસુ ને સસરાજી અબઘડીયે આવશે
કાશીની પૂરી કરી જાતરા રે…
રોજિંદા ઘરકામે ખલ્લેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યા કાતરા રે…
પિયુજી છાપરાને બદલે જો આભ હોત
તો બંધાતી હોત હું યે વાદળી રે…
માણસ કરતાં હું હોત મીઠાંની ગાંગડી
તો છાંટો વાગ્યો કે જાત ઓગળી રે…
પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવાને હાલી રે…
વ્હેંત વ્હેંત લોહી કાંઈ ઊંચું થિયું ને
જીવને તો ચડી ગઈ ખાલી રે…
– અનિલ જોશી
* * *
રિષભ અંકલનાં ગરબાનું એક આલ્બમ ‘દાંડિયાનો દરબાર’ હું લગભગ 2-3 વર્ષથી અવારનવાર સાંભળું છું. એમાં આ ’પેલ્લા વર્સાદ’વાળું ગીત પણ કાય્યમ આવતું. એટલે જયશ્રીએ જ્યારે અનિલભાઈનાં નામે થોડા વખત પહેલા જ આ ગીત મૂક્યું ત્યારે મને ખૂબ જ નવાઈ લાગી. કારણ કે ગીતનું મુખડું તો મારા માટે ખૂબ જ જાણીતું હતું પણ એ મુખડા સિવાય આખું ગીત મારા માટે સાવ નવું અને અલગ હતું, અને એનું સંગીત પણ સાવ અલગ. રિષભઅંકલ સાથે આ બાબતે થઈ ત્યારે કંઈક ગલ પડી. વાત એમ હતી કે અનિલભાઈનાં આ ગીતનું મુખડું રિષભભાઈને (ઘણા વર્ષો પહેલાં) એટલું બધું ગમી ગયેલું કે એમનું એ જ મુખડું લઈને એમણે પોતાનું એક આગવું ગીત લખેલું, એટલું જ નહીં પણ ગરબાનાં ઢાળમાં એને કમ્પોઝ કરીને એમણે એ અનિલભાઈને તરત જ મોકલાવેલું. પછી તો આ ગીત એમણે એમનાં રોમેંટિક-ગરબાનાં આલ્બમ ‘દાંડિયાનો દરબાર’માં સમાવ્યું હતું. તો મિત્રો હવે આપણે માણીએ, અનિલભાઈનાં ગીતનાં મુખડાવાળું રિષભ મહેતાનું સાવ અલગ ગીત (જો કે, મુખડામાં એક-બે શબ્દોનો નજીવો ફેરફાર જરૂર છે!)… મસ્તીભર્યા આ સ્વર-સંગીત સાંભળીને તમનેય મારી જેમ વરસાદમાં ભીંજાતા ભીંજાતા જ ગરબા-રાસ રમવાનું મન ન થઈ જાય, તો મને કહેજો….!
સ્વર : ગાયત્રી ભટ્ટ
સંગીત : રિષભ મહેતા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો
હું તો પાટો બંધાવાને હાલી રે….
વ્હેંત વ્હેંત લોહી કાંઈ ઊંચું થિયું અને
જીવને તો ચડી ગઈ ખાલી રે…
એની નજર્યુંનો કાંટો મુને વાગિયો
હું તો પાટો બંધાવાને હાલી રે….
રોમરોમ ઝન ઝનનન ઝાંઝર બાજે
હાથ ઝાલી હવાનો હું તો ચાલી રે…
એની વાણીનો વાંધો મુને વાગિયો
હું તો પાટો બંધાવાને હાલી રે….
અંદરથી ઉપરથી હું ખળભળી
એના શબ્દો હતા કે કોઈ મવાલી રે…
પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો
હું તો પાટો બંધાવાને હાલી રે….
વ્હેંત વ્હેંત લોહી કાંઈ ઊંચું થિયું અને
જીવને તો ચડી ગઈ ખાલી રે…
- રિષભ મહેતા
આપ સૌ મિત્રોને વારંવાર ભીંજાવાનું મન થાય તો ફરીથી બધા વર્ષાકાવ્યોની મુલાકાત લઈને વારંવાર જરૂરથી ભીંજાઈ શકો છો…! હવે ફરીથી આમ જ મળતા રહીશું, થોડા થોડા દિવસેનાં આંતરે…