ગાગરમાં સાગર

વ્હાલા કવિ શ્રી તુષારભાઈને એમનાં જન્મદિવસે મારા અને તમારા તરફથી અઢળક હાર્દિક શુભેચ્છાઓ… આજે ‘હસ્તાક્ષર’ આલ્બમનું એમનું એક ગીત માણીએ.

camel-in-desert1

(તારી હથેળીને રેતી માનીને કોઈ ઊંટોના શોધે મુકામ…  ફોટો: વેબ પરથી)

સ્વર : સૌમિલ મુન્શી
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ
આલ્બમ : હસ્તાક્ષર 

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તારી હથેળીને દરિયો માનીને કોઈ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી. 

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવા થંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઈ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી. 

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઈને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઈ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

-તુષાર શુકલ

કવિ રમેશ પારેખનાં જન્મદિવસે પ્રસ્તુત છે મને ખૂબ ગમતું એમનું એક ગીત.

bird-nest-empty.jpg 
(પંખી વછોઈ એકલી જગ્યા… માળો કે બખોલ?)

સંગીત: શ્યામલ-સૌમિલ 
સ્વર: સાધના સરગમ 
આલ્બમ: હસ્તાક્ષર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય એને શું?
અમે પૂછ્યું : લે બોલ હવે તું.

પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
અમે પૂછ્યું : લે બોલ હવે તું.

ઊંચી ઘોડી ને ઊંચો અસવાર : એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
અમે પૂછ્યું : લે બોલ હવે તું.

-રમેશ પારેખ

જેમનાં લગ્નનાં શુભ પ્રસંગે અમે લયસ્તરો.કૉમ, ઊર્મિસાગર.કૉમ અને ટહુકો.કૉમ પર ધાંધલ-ધમાલ કરી હતી, એ અમારા વ્હાલા મિત્રો ધવલ અને મોનલને આપણા સૌનાં તરફથી સુખી અને પ્રસન્ન દાંમપત્યજીવન માટે મબલખ શુભેચ્છાઓ… આજનું આ ગીત ખાસ એ નવદંપતિને અર્પણ.  લયસ્તરો પર grand finale રૂપે લગ્નની સજીવ ઝલક જોવાનું ચૂકશો નહીં…!

dhaval-monal
(એકમેકના સાથમાં શોભે…  ધવલ-મોનલ!)

સંગીત: શ્યામલ - સૌમિલ મુન્શી
સ્વર: સૌમિલ - આરતી મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હળવે હળવે શીત લહેરમાં ઝુમી રહી છે ડાળો,
સંગાથે સુખ શોધીએ, રચીએ એક હુંફાળો માળો !

એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણ સાથે,
મનગમતા માળાનું સપનું જોયું છે સંગાથે;
અણગમતું જ્યાં હોય કશું ના માળો એક હુંફાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

મનગમતી ક્ષણ ના ચણચણીએ ના કરશું ફરિયાદ,
મખમલ મખમલ પીંછા વચ્ચે રેશમી હો સંવાદ;
સપના કેરી રજાઈ ઓઢી માણીએ સ્પર્શ સુંવાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

મજીયારા માળામા રેલે સુખની રેલમછેલ,
એકમેકના સાથમાં શોભે વૃક્ષને વીંટી વેલ;
મનહર મદભર સુંદરતામાં હોયે આપણો ફાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો

-તુષાર શુક્લ

 pb083196
(Oven-fresh wedding pic!)

See more pics here on Layastaro !

 … now, let us continue to enjoy the wedding reception party! :-)

rain-photography1
(ઝરમર ઝરમર પ્રેમ વરસાવે આભથી…)

સંગીત :  શ્યામલ-સૌમિલ મુનશી
સ્વર :  કવિતા કૃષ્ણમૂર્તિ
આલ્બમ : હસ્તાક્ષર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વાદળી વરસીને ચાલી ગઈ.
ધરતીના હૈયા ધબકાવતી ગઈ,
વાદળી વરસીને ચાલી ગઈ.

કુદરતમાં લીલાંછમ્મ રંગો રેલાવતી;
મધુર મધુર ભીંજવતી ગઈ,
ઝરમર ઝરમર પ્રેમ વરસાવે આભથી,
એ તો ક્યાંથી આવીને ક્યાં ગઈ !
વાદળી વરસીને ચાલી ગઈ.

પળભરમાં પ્રીતીનો પાલવ લહેરાવતી;
કણકણ પ્રગટાવતી ગઈ,
ધબકે છે હૈયું આ, જોઉં જ્યાં વાદળી;
એ તો પળમાં અણજાણ બની ગઈ !
વાદળી વરસીને ચાલી ગઈ.

-રમણભાઈ પટેલ

તરત જ ગમી જાય એવું સાવ સરળભાષી અને મનભાવન ગીત…  ઉપરથી કવિતા કૃષ્ણમૂર્તિનો કર્ણપ્રિય અવાજ સાચે જ એક વાદળી વરસાવી જતો હોય એમ નથી લાગતું…?!

સૌ મિત્રોને રામનવમીની શુભેચ્છાઓ…!

lord_rama_qc96_l-sml

આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: શ્યામલ-સૌમિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રામમઢી રે મારી રામમઢી,
ગંગા ને કાંઠે રામમઢી;
રામમઢી રે મારી રામમઢી,
જમુના ને કાંઠે રામમઢી.

કોઈ સંતન આવે મંગલ ગાવે,
અલખ ધૂનરસ રંગ લગાવે;
આવે કોઈ અવધૂત ચઢી,
રામમઢી રે મારી રામમઢી…

રસભર હૈયાની ડોલે નૈયા,
પીયુ પીયુ બોલે પ્રાણ પપૈયા;
ચેતનની વરસંત ઝડી,
રામમઢી રે મારી રામમઢી…

-ઉમાશંકર જોશી

સૌ મિત્રોને ધૂળેટીની રંબેરંગી શુભેચ્છાઓ…!! 

mira25-sml2.jpg
( … સાંવરિયા રમવાને ચાલ ! )

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આલ્બમઃ હસ્તાક્ષર
સંગીતઃ ક્ષેમુ દિવેટીયા
સ્વરઃ અનાર કઠિયારા, આરતી મુનશી

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

આવતા ને જાતાં આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝાં તોફાન;
ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.
આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયાં અંતરને ઊંડે ઉછાળ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;
નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપનાં !!
થઈને ગુલાલ આજ રંગે ધરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

-સુરેશ દલાલ

સૌ મિત્રોને ફાગણ અને હોળીનાં હાર્દિક વધામણાં…
ધૂળેટી સ્પેશ્યલ માટે કાલે અહીં ફરી પધારવા વિનંતી…!  :-)

kesuda-on-tree-sml.jpg kesuda-on-tree-close-up.jpg
Full photo                  cropped
(કેસૂડાં…   ઉપરનાં ફોટા: હરનીશભાઈ જાની)

kesuda2-sml.jpg

(વ્હાલા મોરા, ફાગણ પાછો લાવ…   કેસૂડાં…   ફોટોઃ ખબર નથી!)

આલ્બમઃ હસ્તાક્ષર
સંગીતઃ ભાઈલાલભાઈ શાહ
સ્વરઃ સૌમિલ મુનશી, દિપાલી સૌમૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.

ગોરી મોરી,હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
વ્હાલા મોરા,ઝૂલ્યો મેલ્યો ન જાય કે ઝૂલશું જિંદગી રે લોલ.

ગોરી મોરી,ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે લોલ;
વ્હાલા મોરા, આ શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.

ગોરી વ્હાલે મેલી આંબલીયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે લોલ;
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે લોલ.

આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે લોલ.

આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે લોલ;
વ્હાલા મોરા,બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અંહી ખડી રે લોલ.

-ઉમાશંકર જોષી

સૌ મિત્રોને, Happy Valentines Day !!

couple_sitting_in_sand_on_sunset_beach.jpg
( ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં… )

આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર: સાધના સરગમ, રૂપકુમાર રાઠોડ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.

બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા,
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.

ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી;
મારા વિના ઉદાસ છું તે જાણું છું પ્રિયે
મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઇ ગડી.

-તુષાર શુક્લ

Happy New Year Dear Friends…!

હસ્તાક્ષર આલ્બમનાં ગીતો આજે હું સવારમાં જ સાંભળતી હતી અને આ ગીત પણ સાંભળ્યું અને થોડી જ વારમાં લયસ્તરો પર એની પોસ્ટ પણ જોઈ… તો થયું, આજે ઘણા દિવસે એક મ્યુઝીકલ-પોસ્ટ મૂકી મિત્રોને પણ આ ગીત સંભળાવી જ દઉં… એમ પણ શબ્દોનો તૈયાર માલ તો હું સીધો લયસ્તરો પરથી જ ઉઠાવી લઈશ… (એટલે કે ટાઈપ કરવાની હજામત પણ કરવી નઈં પડે !  :-D )

love_painting_pe90_l-2.jpg
(મસ્ત બેખયાલીમાં લાગણી આલાપી ને…)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સંગીત : શ્યામલ - સૌમિલ મુન્શી
સ્વર : આરતી મુન્શી અને આશિત દેસાઇ 

શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યા.
મસ્ત બેખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યા.

જે ગમ્યું તે ગાયું છે, જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

ફૂલ ઉપર આ ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

-તુષાર શુક્લ

વિવેકે લખેલી આ ગીત (કે ગઝલ?) ની પ્રસ્તાવના લયસ્તરો પર જરૂરથી વાંચશો… અને સાથે સાથે આવી જ બીજી એક શૂન્યસાહેબની ગઝલ પણ માણવા જેવી છે…  

આ ગીત મને ખૂબ જ ખૂબ જ ખૂબ જ પ્રિય છે… અને જ્યારે પણ સાંભળું ત્યારે માત્ર એકવાર સાંભળ્યાથી તો કદી ધરાવાય જ નઈં હોં… 2-3, 4-5 કે 8-10 વખત તો સીડીની ટ્રેક આ ગીત પર ચોંટી જ જાય… શ્યામલ-સૌમિલ ભાઈઓએ ખરેખર કમાલ કરી છે આ ગીતનાં સંગીતમાં…  ઘણા વખત પહેલાં જ મને આ ગીત અહીં મૂકવાની ઈચ્છા હતી પરંતુ એક ખાસ કારણસર એને રીઝર્વ રાખ્યું હતું… તો આજે આ ગીત એક ખાસ વ્યક્તિ માટે અને એ પણ ગીતમાં પૂછાયેલાં સઘળાં પ્રશ્નોની સાથે… 

Dedicated to someone very dear…
and for someone dear to my dear!
;-)

gopisundara-sanga.jpg 
(સૈયર, તારા કિયા છુંદણે, મોહ્યો તારો છેલ, કહેને…?)

આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: શ્યામલ-સૌમિલ
સ્વર: દિપાલી સોમૈયા, સાધના સરગમ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સૈયર, તારા કિયા છુંદણે, મોહ્યો તારો છેલ, કહેને?
સૈયર, તારા કિયા ફૂલની લૂમીઝૂમી વેલ, કહેને?

કિયા વરતમાં પાંચ આંગળે કિયો પીપળો પૂજ્યો સૈયર?
મન ભરીને મોહે એવો કિયો ટુચકો સૂઝ્યો સૈયર?
સૈયર, તું તે કિયા મલકની છલક છલકતી હેલ, કહેને?

કૂવાને કાંઠે કઈ ઘડીયે રહી ગઈ વાત અધૂરી?
સૈયર, તારા ઉજાગરાની કિયા તારલે સાખું પૂરી?
સૈયર, તું તે કઈ સુવાસે મહેકે રેલમછેલ, કહેને?

-માધવ રામાનુજ

* If you can't see Gujarati click here
* Read this blog in
हिन्दी (देवनागरी) OR English (ROMAN)