July 11, 2010 at 2:02 am | ગઝલ, ચિનુ મોદી
- Posted by ઊર્મિ |
તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.
શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડ ખડ હસું છું ભય વગર.
જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.
દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.
સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.
-ચિનુ મોદી ‘ઈર્શાદ’
*****
અમેરિકાના પશ્ચિમ તરફના અખાતી વિસ્તાર (west coast - bay area) માં વસતા ગુજરાતીઓ માટે ખાસ જાહેરાત…
ડગલો રજુ કરે છે - શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’ સાથે એક સંવાદ, July 11, 2010, Sunnyvale CA
June 28, 2010 at 1:00 pm | ગઝલ, ચિનુ મોદી
- Posted by ઊર્મિ |

(ચિનુભાઈની એક અપ્રગટ ઓવનફ્રેશ ગઝલ… ‘ગાગરમાં સાગર’ માટે)
વસંતો આવવાની પુષ્પને આપો વધામણી ?
વિહંગો વૃક્ષ પર છે ચૂપ ને આપો વધામણી ?
અમારી આંખમાં આવી ગયા છે એક-બે અશ્રુ,
તમે સપને દીધેલા રૂપને આપો વધામણી.
હજી હમણાં જ આકાશેથી રમવા નિકળ્યા તારા,
જરા જંપી ગયેલા કૂપને આપો વધામણી.
તડાકે તોડવા પડશે તમારે બંધનો વ્હાલા,
પછીથી ભૂપના પણ ભૂપને આપો વધામણી.
જરા જેવો ખસેડો ભાર આ ‘ઇર્શાદ’ માથેથી,
પછીથી શ્વાસ સર્જ્યા સ્તૂપને આપો વધામણી.
- ચિનુ મોદી ‘ઇર્શાદ’
ગયા અઠવાડિયે શ્રી ચિનુભાઈ સાથે એક અંગત ગઝલ-session દરમ્યાન એમણે મને સમજાવ્યું હતું કે ગઝલ કંઈ જાતે અવતરતી નથી, એને સતત મહાવરાથી on-demaand પણ લખી શકાય છે. એના દાખલા તરીકે એમણે ડેટ્રોઈટમાં શ્રી ચંદ્રેશ ઠાકોર સાથે થયેલા એક ગઝલ-sessionની વાત કરી હતી. જેમાં એમણે ચંદ્રેશભાઈને એક શબ્દ આપવાનું કહ્યું અને એમણે ‘વધામણી’ શબ્દ આપ્યો. અને ત્યારે ચિનુભાઈએ એમને આ શિઘ્ર ગઝલની રચના કરીને બતાવી હતી. પછી તો એમણે જ્યારે મને આ પાનું બતાવ્યું ત્યારે મેં એમની પાસે એ તરત માંગી લીધું હતું… ( આભાર ચિનુભાઈ!) અને ત્યારે સાલું યાદ ન્હોતું આવ્યું નહીંતર એમની પાસે આ ગઝલનું પઠન પણ કરાવીને જ લાવત… :)
વસંતનાં આગમન જેવી અટલ ઘટના માટે પુષ્પને વધામણી આપવાની કોઈ જરૂર ખરી? પક્ષીઓ પોતાના કલરવ અને ટહુકાઓ મૂકીને જો ચૂપ થઈ જાય તો એમને વધામણી આપવી જોઈએ ખરી? વધામણી કોને આપવી જોઈએ -ની વાતો કરતી આ શિઘ્ર ગઝલનાં આમ તો બધા જ શે’ર તરત જ ગમી જાય એવા થયા છે. પરંતુ મને તડાકે બંધનો તોડીને ભૂપનાં પણ ભૂપને વધામણી આપવાવાળો શેર જરા વધુ ગમી ગયો.
ગયા અઠવાડિયે લયસ્તરો પર મૂકેલી એમની બીજી એક ગઝલ પણ એમનાં હસ્તાક્ષર સાથે માણો…
May 27, 2008 at 10:54 am | ગઝલ, ચિનુ મોદી, તસ્બી
- Posted by ઊર્મિ |

પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી,
‘ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારે ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,
‘ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
-ચિનુ મોદી
* * *
આગળ અહીં મૂકેલી પંચમભાઈની એક તસ્બી પણ માણો…