ગાગરમાં સાગર

ગુજરાતી સાહિત્યનાં મહાસાગરની થોડી બુંદો મારી ગાગરમાં…

 

cd-cover-sml.jpg

ડૉ. રઈશ મનીઆરનાં શબ્દોમાં લખવાની ખુમારીનાં એમનાં એક સુંદર મુક્તક અને ધીમે ધીમે લખવાની વાત કરતી એટલી જ મુલાયમ આ ગઝલ સાંભળીએ…

 ભલે અલ્પ તોયે વધારે લખ્યું છે,
લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે;
લખાણે લખાણે પ્રહારો થયા છે,
અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે.

*

અને ગઝલનાં ત્રણ શેરો તો મધુર સંગીત અને કર્ણપ્રિય સ્વરથી એવા રણઝણી ઉઠ્યા છે… કે એકવાર સાંભળ્યા પછી દિવસો સુધી આ રણઝણાટ શમતો જ નથી…!!

સંગીત: મેહુલ સુરતી
સ્વર: સત્યેન જગીવાલા 

આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું,
રેત પર જેમ પાગલ સમીરે લખ્યું.

કોરા કાગળ ઉપર બસ સખી રે ! લખ્યું,
એથી આગળ નથી મેં લગીરે લખ્યું.

મજનૂ ફરહાદ મહિવાલ હીરે લખ્યું,
લીરે લીરે ને આખા શરીરે લખ્યું.

રોજ માણસ ઘવાતો રહ્યો ચૂપચાપ,
જે લખ્યું તે નીતરતા ઝમીરે લખ્યું.

આપણે ક્યાં કદી કંઈ લખ્યું છે ‘રઈશ’ !
એક મીરાએ લખ્યું એક કબીરે લખ્યું.

-ડૉ. રઈશ મનીઆર

(રઈશભાઈનાં કાવ્યપઠનનાં આલ્બમ ’રઈશ તો વીતેલા મીલેનીયમનો માણસ’માંથી સાભાર…)

સૌ મિત્રોને માતૃદિન મુબારક… Happy Mother’s Day!! 

krishna_in_the_lap_of_mother_op39-copy.jpg
(મને મારી બા ગમે છે… )

મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું  બા કહી શકું છું.

‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી -
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.

બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ‘ડિશ’ શીખવા ”માં ગઈ નહોતી
છતાં ઈંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.

મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.

-વિપિન પરીખ

rose_garden-sml.jpg
(માવજત માળીની…)

ફૂલની ફોરમ બધે ચર્ચાઈ ગઈ,
માવજત માળીની બસ વિસરાઈ ગઈ.

લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ,
દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.

વાંસળીને કાજ ક્યાંથી લાવશું ?
ફૂંક તો ચૂલા ઉપર વપરાઈ ગઈ.

કોણ પડછાયા ઉપાડી જાય છે ?
એ જ જોવા સાંજ પણ રોકાઈ ગઈ.

સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.

મેં ગુમાવી એમ મારી મુગ્ધતા,
જેમ દરિયામાં નદી ખોવાઈ ગઈ.

તોપના મોઢે કબૂતર ચિતર્યું,
લાલ રંગોળી છતાં પૂરાઈ ગઈ.

-ગૌરાંગ ઠાકર

આ તરોતાજા ગઝલ મોકલવા માટે ગૌરાંગભાઈનો ખૂબ ખૂબ આભાર… 

*

આજનું આ ખાસ ગીત સાસરે ગયેલી મારી એક ખાસ બહેન અને મારી એક ખાસ બહેનપણી માટે… અને એ બંનેના સાસરે ઉડી જવાથી એમનાં પિયરનાં માળામાં ફરકેલા પેલાં ખાસ વેરાન માટે પણ…  

chirag-neha-mangalfera-sml.jpg
(આમ પાનેતર પહેર્યું ને…    મંગલફેરા…   19 એપ્રિલ, 2008)

આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: શ્યામલ-સૌમિલ
સ્વર: દિપાલી સોમૈયા

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં
સૈયરના દાવ નતા ઉતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર -
ફેર હજી એય ન’તા ઉતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન !
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચોરીમાં આવીને
ભૂલી જવાના વેણ માગ્યાં !
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોઈ ભાન !
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

-માધવ રામાનુજ

*

નેહા અને જયશ્રીને મંગલમય ભવિષ્યની મબલખ શુભકામનાઓ… સસ્નેહ!

* * *

સૌ મિત્રોને ગુજરાત દિનની શુભેચ્છાઓ… 

gujarat2.jpg

આલ્બમ: પ્રેમ શૌર્ય ગુજરાત
સંગીત: મેહુલ સુરતી
સ્વર: ઓજસ મહેતા, પરેશ ખંભાતી,
જેસ્મીન કાપડિયા, દ્રવિતા ચોક્સી, ફોરમ સંઘવી

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

-કવિ નર્મદ

 *

ચાલો મિત્રો, આજના ગુજરાત દિવસે આપણે આપણા ગુજરાત વિશે થોડું જાણીએ… (ગુર્જરી.નેટ પરથી)

ગુજરાતની વિશેષતાઓ

  1. બૃહદ્ મુંબઈ રાજ્યનું વિભાજન થતાં સને 1960 ના મેની પહેલી તારીખે ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્‍વમાં આવ્‍યું.
  2. ભારતનું સૌ પ્રથમ ફ્રી પોર્ટ (મુક્ત બંદર) કંડલા ગુજરાતમાં છે.
  3. સુતરાઉ કાપડ સંશોધન માટેની એક માત્ર સંસ્‍થા ‘અટિરા‘ ગુજરાતમાં છે.

  4. ભારતના મીઠાના ઉદ્યોગમાં ગુજરાત મોખરે છે.
  5. સિમેન્‍ટ ઉદ્યોગમાં ગુજરાત આગળ પડતું છે.

  6. ભારતમાં સિંહ માત્ર ગુજરાતના ગિરનાં જંગલોમાં જ છે.
  7. ચૂનાનો પથ્‍થર ગુજરાતમાં લગભગ દરેક સ્‍થળે મળી આવે છે.

  8. આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાત (જામનગર)માં છે.
  9. બોકસાઇટનું સૌથી વધુ ઉત્‍પાદન ગુજરાત કરે છે.
  10. સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ખરાદી કામ પ્રખ્‍યાત છે.
  11. ભારતના મુખ્‍ય બે અખાતો ખંભાતનો અખાત અને કચ્‍છનો અખાત ગુજરાતમાં છે.

  12. હડપ્‍પા સંસ્‍કૃતિને મળતા અવશેષ અહીં લોથલ અને રંગપુરમાં મળે છે.
  13. ગુજરાતી રાસ, ગરબા અને દુહાનું વિશિષ્‍ટ સાંસ્‍કૃતિક મહત્‍વ છે.

  14. ભારતના ભાગ્‍યવિધાતા મહાત્‍મા ગાંધીની જન્‍મભૂમિ ગુજરાત છે.
  15. ‘ગુજરાત સ્‍ટેટ ફર્ટિલાઇઝર‘ ખાતરનું મોટું કારખાનું ગુજરાતમાં છે.

  16. ભારતમાં કોઈ પણ રાજ્ય કરતાં લાંબો દરિયાકિનારો ગુજરાતનો છે.
  17. ભારતમાં કોઈ પણ રાજ્ય કરતાં વધારે બંદરો ગુજરાતમાં છે.
  18. અંકલેશ્વરથી કચ્‍છ સુધીના પ્રદેશમાં કુદરતી તેલ-ગેસ ગુજરાતમાંથી મળ્યા છે.
  19. ભારતમાં ચોક અને ચૂનાના પથ્‍થરનું ઉત્‍પાદન ફક્ત ગુજરાતમાં થાય છે.

  20. સોડાએશના ભારતના ઉત્‍પાદનના 95 ટકા ગુજરાતમાં ઉત્‍પન્‍ન થાય છે.
  21. મહાત્‍મા ગાંધી, સરદાર પટેલ, દયાનંદ સરસ્‍વતી જેવાં નરરત્‍નો ગુજરાતે આપ્‍યાં છે.

  22. સહેલાણીઓના સ્‍વર્ગ સમું ‘નળ સરોવર‘ દુનિયાભરનાં પક્ષીઓને આકર્ષે છે.
  23. ખાદ્યતેલ (સીંગતેલ)ના ઉત્‍પાદનમાં ગુજરાત મોખરે છે.

  24. કૃષ્‍ણની દ્વારકાનગરી અને આદ્ય શંકરાચાર્ય સ્‍થાપિત ચાર મઠો પૈકીનો એક શારદાપીઠ ગુજરાતમાં દ્વારકા ખાતે છે.
  25. સ્‍વામીનારાયરણ ધર્મના સ્‍થાપક સ્‍વાહી સહજાનંદની કર્મભૂમિ ગુજરાત છે.

  26. વ્‍યાપારી અને વ્‍યવહારુ ગુજરાતી વિશ્વના દરેક દેશમાં મળે છે.
  27. ગતસૈકાઓમાં બનાવાયેલી પથ્‍થરની વાવનું પ્રમાણ ગુજરાતમાં વિશેષ છે.

  28. અમદાવાદમાં આવેલા ‘ઝુલતા મિનારા‘ ઉત્‍કૃષ્‍ટ શિલ્‍પસ્‍થાપત્‍યનો નમૂનો છે.

  29. શત્રુંજ્ય પર્વત પર અંદાજે 980 નાનાં મોટાં જૈન મંદિરો ધરાવતું સ્‍થળ પાલિતાણા ગુજરાતમાં છે.
  30. પાટણના પાદરે ખોદી કાઢવામાં આવેલી અખંડિત ઐતિહાસિક ‘રાણકી વાવ‘ જોવા જેવી છે.


*

foggystreet-sml.jpg
(તારી ગલીનું ધુમ્મસી વાતાવરણ…)

બે-ચાર શક્યતાઓ છે સાચી પડી ન જાય
આ તરવરાટને ક્હો, હમણાં વધી ન જાય

તું પાસ હોય એવી રીતે ગાઉં છું ગઝલ
તું ક્યાંક પાસ આવી મને સાંભળી ન જાય

તારી નિકટ નથી તો હું તારાથી દૂર છું
તારી ઉપસ્થિતિ તો કદી અવગણી ન જાય

ભરપૂર હોઉં તોય તને ઝંખતો રહું
તું આ ભર્યાભર્યાપણાને ઓળખી ન જાય

તારી ગલીમાં ધુમ્મસી વાતાવરણ રહે
મારી ભીનાશ ક્યાંય તને પણ અડી ન જાય

થોડા વિકલ્પો આજ અતિથિ છે આંખમાં
તારા અભાવને કહે આંખ સુધી ન જાય

- જવાહર બક્ષી

Dulhan

(મેરે પિયા…) 

મેરે પિયા મૈં કછું નહીં જાનૂં,
મૈં તો ચુપચુપ ચાહ રહી.

મેરે પિયા, તુમ કિતને સુહાવન,
તુમ બરસો જિમ મેહા સાવન,
મૈં તો ચુપચુપ નાહ રહી.

મેરે પિયા તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈં તો પલ પલ બ્યાહ રહી.

-સુન્દરમ્

એક પ્યારી સખી આજે જ્યારે લગ્નજીવનના આકાશમાં સાથ અને સંગાથના સાત પગલાંઓ પાડવા જઈ રહી છે ત્યારે આનાથી ચડિયાતું બીજું કયું પ્રણયકાવ્ય ભેટના પરબીડિયામાં બીડીને અર્પી શકાય ?! શુભેચ્છાઓ, દોસ્ત !

*

vishwamitra__the_hermit_op38-sml.jpg 
( … કોઈ જતિ હોય તોય શું? )

એ અલ્પ માંગ હો કે અતિ હોય તોય શું?
એ ભીખ છે છૂપી કે છતી હોય તોય શું?

ફરવાનું ગોળ ભાગ્યમાં જેના લખ્યું હશે,
તકદીરની ગાડીને ગતિ હોય તોય શું?

દુર્યોધનો જો જાંઘને ખુલ્લી કરી શકે,
તો દ્રૌપદીને પાંચ પતિ હોય તોય શું?

ઉદ્ધાર કરવા રામને વનમાં જવું પડે,
અહલ્યા સમી જો કોઈ સતી હોય તોય શું?

તમને તો છે ખબર કોઈ ક્યારે થશે ચલિત,
હે વિશ્વામિત્ર! કોઈ જતિ હોય તોય શું?

ઓ કામદેવ! આ આંખ તું ખોલી નહીં શકે,
શંકરની સામે લાખ રતિ હોય તોય શું?

જે સંકુચિત ધોરણ છે તે રહેશે અહીં ‘અમીર’!
તારી ભલે વિશાળ મતિ હોય તોય શું?

-દેવદાસ શાહ ‘અમીર’

જતિ = યતિ, યોગી

આજે રિષભઅંકલનું એક ગીત (ગીતઝલ?) એમનાં જ અવાજમાં…

krishna-radha0.jpg
(સાથ શું પૂરતો નથી…?)

સંગીતઃ રિષભ મહેતા
સ્વરઃ રિષભ મહેતા, ગાયત્રી દવે

ક્યાં જશું? રસ્તો નથી…
સાથ શું પૂરતો નથી?

ચાલવાનું ક્યાં સુધી? આ શ્વાસ ચાલે ત્યાં સુધી.
શ્વાસ ચાલે ક્યાં સુધી? તું હાથ ઝાલે ત્યાં સુધી.
ઝાલવાનું ક્યાં સુધી? હું ઢળું ના ત્યાં સુધી.
તું ઢળે ના ક્યાં સુધી? તું મળે ના જ્યાં સુધી.

જાગવાનું ક્યાં સુધી? આ રાત જાગે ત્યાં સુધી.
રાત જાગે ક્યાં સુધી? તું ચાંદ માંગે ત્યાં સુધી.
માંગવાનું ક્યાં સુધી? થાય ઈચ્છા જ્યાં સુધી.
થાય ઈચ્છા ક્યાં સુધી? હોય આશા જ્યાં સુધી.

ઝૂરવાનું ક્યાં સુધી? ઝંખના છે જ્યાં સુધી.
ઝંખના છે ક્યાં સુધી? ચાહના છે જ્યાં સુધી.
ચાહવાનું ક્યાં સુધી? મન મરે ના જ્યાં સુધી.
મન મરે ના ક્યાં સુધી? તું ડરે ના જ્યાં સુધી.

ચાલ ડર, ફેંકી દઉં… લાવૢ કરમાં ધર લઉં!
હોઠ પર તારા રમું… ગીત થઈને સરગમું…
ચાલ તો બસ, ચાલીએ… એકબીજાને ઝાલીએ…
દર્દને બહેલાવીએ… શબ્દને શણગારીએ…

જ્યાં જશું રસ્તો થશે…

ક્યાં જશું? રસ્તો નથી…
જ્યાં જશું રસ્તો થશે…

-રિષભ મહેતા

rajasthani_painting_pf27_l-sml.jpg 
(અમારી આંખડી છલકાય… વાત કરવી છે!)

તમારા વિણ હૃદય પડઘાય એની વાત કરવી છે,
અમારી આંખડી છલકાય એની વાત કરવી છે.

તમે કાગળ લખો કે ના લખો, પણ ફોન તો કરજો,
અમારૂં શાને મન મૂંઝાય એની વાત કરવી છે.

સુમન ખીલ્યા છે કેવા આંગણે એ જોઈ જોઈને,
અમારૂં કેવું દિલ હરખાય એની વાત કરવી છે.

તમારા શબ્દ સીધાને સરળ લાગ્યા ઘણા તોયે,
ઘણા અમને ન કાં સમજાય એની વાત કરવી છે.

અમારે એવું એવું તમને કે’વું છે ઘણું જેને,
જરા પણ બીજે ના કે’વાય એની વાત કરવી છે.

તમે છેલ્લે મળ્યા એને જમાનો થઈ ગયો જાણે,
હૃદય વિહવળ હવે જે થાય એની વાત કરવી છે.

તમારા પ્રેમમાં પાગલ બની ભટકે ‘રસિક’ જ્યાં ત્યાં,
હવે હાલત ન એ જોવાય એની વાત કરવી છે.

-‘રસિક’ મેઘાણી

રસિકભાઈનાં બ્લોગ પરથી સાભાર…

If you can't see Gujarati click here